તારાપૂરથી ₹17 લાખની નકલી નોટો ઝડપાઈ
ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાના નામની તમામ નોટો!
.png)
આણંદ જિલ્લાના સોજિત્રાથી તારાપુર તરફ આવનાર રસ્તા પર ઇકો ગાડીમાં મોટી માત્રામાં બનાવટી નકલી નોટોના જથ્થા સાથે કોઈ નીકળવાનું છે તેવી બાતમી તારાપુર પોલીસને મળી હતી.
જે વાતને ધ્યાનમાં રાખી તારાપુર પોલિસે તારાપુર ચોકડી પર વોચ ગોઠવી હતી. જ્યાં 27 ડિસેમ્બરે બાતમીમાં વર્ણવાયેલી ગાડી સામે આવતા પોલિસે તેને તપાસ માટે રોકી હતી.
જે દરમિયાન ગાડીમાં સવાર સુરેશ ફતેહસિંહ પરમાર (મોરજ,તારાપુર), રાજાભાઈ કાનાભાઈ પટાટ (ગુંદરણ, તાલાલા, જુનાગઢ), વિજય કુમાર મોહનપુરી ગોસ્વામી (ખાનપુર,તારાપુર), પ્રકાશ વિક્રમભાઈ વાળા (પીપળવા,તાલાલા,જુનાગઢ)ની અટકાયત કરવામાં આવી હતી.
.png)
વધુ તપાસ કરતાં ગાડીમાંથી નકલી 500ની ચલણી નોટના 34 બંડલ નીકળ્યા હતા. જે અંદાજે 17 લાખ રૂપિયાની નકલી નોટો હતી.
મળતી માહિતી મુજબ આ નકલી નોટો બનાવટી હોય તેવી દેખાતી જ ન હતી. પ્રથમ નઝરે કોઈ પણ ધોખો ખાય તેવી હતી. પરંતુ નોટો પર ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયા લખેલું હતું.
અટકાયત કરાયેલા તમામ લોકોની વધુ તપાસ કરતાં અન્ય નામ પણ ખૂલ્યા હતા. જેઓ દ્વારા આ નોટ મંગવવામાં આવી હતી.
આ તમામ વિરુદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 180,318(2),61 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અત્રે તે વાત નોંધનીય છે કે છેલ્લા 3 મહિનાની અંદર RBI પાસે આવી 1700 નકલી નોટો આવી છે. જેમાં આવું ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયા તથા અન્ય નામો લખેલા હતા.