શારદાબેન હોસ્પિટલને હવે સુપર સ્પેશિયલ બનાવાશે.
Updated on 23-12-2024 16:29
2026 સુધી હોસ્પિટલ શરૂ થઈ જશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલીત શારદાબેન હોસ્પિટલને નવા નિયમો પ્રમાણે સુપર સ્પેશિયલ બનાવાશે.
શહેરમાં આવેલ શારદાબેન હોસ્પિટલને ₹374 કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓ સાથે NMC 2023ની ગાઈડ લાઇન પ્રમાણે તૈયાર કરાશે.
સરસપૂરમાં આવેલી શારદાબેન હોસ્પિટલના બિલ્ડિંગ જૂના થઈ ગયા હોવાથી, ઈન્ડિયા કોલોની વોર્ડમાં અશોક મિલની જગ્યામાં જૂની બિલ્ડિંગથી 2 km દૂર મ્યુનિસિપલ કોર્પોરેશનને મળેલ પ્લોટમાં શારદાબેન હોસ્પિટલના નવા બિલ્ડિંગનું નિર્માણ થનાર હતું. તેવો નિર્ણય વર્ષ 2019માં લેવાયો હતો. જ્યારે આ નિર્ણય લેવાયો હતો ત્યારે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન માટેની મંજૂરી મુજબ 55,815 ચોરસ મીટરમાં બાંધકામ કરવાનું હતું. જેનો કોન્ટ્રેક્ટ આર. એન ડોબરિયાને મળેલ છે, જે કંપનીએ અગાઉ GMDC ગ્રાઉન્ડ પાસેનું સમરસ હોસ્ટેલ અને સી.પી. ઓફિસ બનાવી હતી.
પરંતુ હવે જૂના પ્લાનને રિવાઇઝ કરીને નવા પ્લાન મુજબ 72 હજાર ચોરસ મીટર જેટલા એરિયામાં બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. જેના માટે પહેલા નક્કી કરાયેલ રકમ કરતાં વધુ રકમથી આ બિલ્ડિંગ ઊભું કરાશે.
આ બિલ્ડિંગને અધ્યતન સુવિધાઓ વાળું બનાવાશે. 2022માં કરેલ ટેન્ડરિંગમાં પેહલા નક્કી કરાયેલ ખર્ચ મુજબ તૈયારી શરૂ કરી દેવાઈ હતી, ત્યાં બાદ આ હોસ્પિટલ MCI 2010ના નિયમ પ્રમાણે બનાવવાનું નક્કી કરાયું હતું. જ્યાં 2022 ડિસેમ્બરથી શરૂ થયેલી કામગીરીમાં હાલ 40%થી વધારે કામ થઈ ગયું છે. હોસ્પિટલ બાંધકામમાં ફ્લોરથી 6 માળ સુધી બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે.
જ્યાં ગ્રાઉન્ડ ફ્લોરથી 5 માળ સુધી OPD બિલ્ડિંગ સુપર સ્પેશિયાલિટી વોર્ડ સાથે, 4થા માળે રેસિડેન્ટ ડૉક્ટર માટે હોસ્ટેલ અને 1 માળમાં ફેમિલી ક્વાર્ટસ બનાવાશે તથા પાર્કિંગની જગ્યામાં પણ વધારો કરવામાં આવશે.
આ નવી શારદાબેન હોસ્પિટલ કુલ 880 બેડની હોસ્પિટલ હશે. જ્યાં 120 ICU બેડ હશે. તથા 15 ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ હશે.
હોસ્પિટલની મુખ્ય બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેફેટેરિયા, દવાઓનો સ્ટોર, તેમજ જનરલ વોર્ડ હશે.
પહેલા માળ પર જનરલ સર્જરી વોર્ડ, ઇમરજન્સી ઓપરેશન થિયેટર સહિતની સુવિધા હશે. તથા આ બિલ્ડિંગની અંદર જ ટીબી વોર્ડ, ઓર્થોપેડિક વોર્ડ, આઇસિયું, ગાયનેકોલોજી વોર્ડ તેમજ વિવિધ લેબોરેટરી બનાવાશે.
આ સિવાય OPD બિલ્ડિંગમાં એકસ-રે, ENT, આયુર્વેદ, પ્લાસ્ટિક સર્જરી, ટીબી જનરલ વોર્ડ, ઓર્થોપેડિક તેમજ કન્સલ્ટન્ટ રૂમ, ડ્રેસિંગ રૂમ સહિતની વ્યવસ્થા હશે.
આ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટિવ એરિયા તથા કોન્સફરેન્સ હૉલ પણ બનાવામાં આવશે.
ઓગસ્ટ 2025 સુધીમાં આ હોસ્પિટલનું કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા છે. ત્યાર બાદ જૂના શારદાબેન હોસ્પિટલને 2026 સુધી અહિં શિફ્ટ કરવામાં આવશે.
જૂના શારદાબેન હોસ્પિટલની બિલ્ડિંગનું શું થશે ? તે અંગે હજી કોઇ ચોક્કસ માહિતી તંત્ર તરફથી અપાયી નથી.