નશાની મજા બીજાએ માણી, મોત કોઈક બીજાને મળ્યું!
નરોડા-દહેગામ રોડ પર અકસ્માત! 2 યુવકના મોત.
નરોડા-દહેગામ રોડ પર તારીખ 1 ડિસેમ્બરને રોજ સર્જાયો હતો ગંભીર અકસ્માત, જ્યાં ફરી એક દારૂના વ્યસનીએ 2 યુવાનોના ભોગ લીધા હતા.
રવિવારની રાતે ગોપાલ પટેલ નામનો વ્યક્તિ અત્યંત દારૂ પીધેલી હાલતમાં ઝાંક ગામથી નીકળ્યો હતો, આ સમયે નરોડા રિલાયન્સફ્રેશમાંથી નોકરી કરીને નીકળેલ બે યુવક એક એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ સમયે સામેના રોડથી અચાનક ડીવાઇડર કૂદીને આ તરફ એક ક્રેટા કાર ત્રાટકી અને એક્ટીવા પર જઈ રહેલા બે યુવકના માથે અથડાઈને નજીકના પ્લોટની દીવાલમાં ઘૂસી ગઈ. આ ઘટનામાં હવામાં ઊડેલી ગાડી જે બે યુવકના માથા પર અથડાઈ હતી તે બે યુવક નામે વિશાલસિંહ રાઠોડ અને અમિતસિંહ રાઠોડનું ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ જ્યારે આસપાસના લોકોના ટોળાએ ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢ્યો ત્યારે તે ખૂબ જ નશામાં હતો, લોકો એ તેને ખૂબ માર માર્યો અને તેના પુત્રને જાણ થતાં તે પિતાને લેવા દોડી આવ્યો પણ લોકોના ટોળાંએ તેને જવા ન દીધો.
આ કિસ્સામાં ત્રણ મિત્રો એક સાથે નોકરીએથી પરત ફર્યા હતા તેમાંથી ત્રીજો મિત્ર જે અન્ય વ્હીકલ પર આવી રહ્યો હતો જે નામે વિશાલ ઠાકોર, તેજ સમયે તેના મોબાઈલ પર કોલ આવતા તેણે તેનું વ્હીકલ થોડું ધીમું કરી દીધું હતું, તેથી તે આ સામેથી આવેલી મોતથી બચી ગયો અને તે કાર તેની બાજુમાં થઈને નજીકના પ્લોટની દીવાલમાં ઘૂસી ગઈ.
એક્ટિવ ટ્રાફિક કન્સલટેટીવ કમિટીના પ્રમુખ ડૉ. પ્રવીણ કાનાબારે જણાવ્યું હતું કે ગાડીના 2 એરબેગ ખૂલી ગયા હતા, જેથી ગાડી 100થી વધુની સ્પીડ પર હશે જ અને, ગોપાલ પટેલે સીટ બેલ્ટ પહેર્યો હોવાથી તે બચી ગયો હતો.
વધુ માહિતી મુજબ નશામાં ધૂત રહેલ આરોપી ગોપાલ પટેલ મૂળ ઝાંકનો અને હાલ રહે નરોડા 30 નંબર ગેલેક્સી બંગ્લોઝમાં જે તેના ગામમાં જમીન ધરાવતો હોવાથી અવાર-નવાર ઝાંકથી નરોડા જતો આવતો રહેતો હતો. વધુ માહિતીમાં આજ સ્થળે લગભગ આઠ મહિના પહેલા ગોપાલ પટેલના પિતા રમેશ પટેલે અકસ્માત સર્જ્યો હતો. પરંતુ સાંઠગાંઠ કરી તેઓએ સમાધાન કરી લીધું હતું. જેથી પોલીસને ચોપડે નામ ચડ્યું ન હતું. રમેશ પટેલ આ પહેલા વર્ષ 1991-1992માં ઝાંક ગામના સરપંચ રહી ચૂક્યા છે.
મૃતક વિશાલસિંહના લગ્ન થયે 4 વર્ષ થયા હતા. જેમને અઢી વર્ષનો દીકરો છે. તેમના પરિવારનું કહેવું છે કે આ આરોપીને કડક સજા થાય તેવી તેમની સરકાર સમક્ષ માંગ છે.
બીજા મૃતક અમિતસિંહ રાઠોડના પરિવારનું કહેવું છે કે તેમના સગાઈની વાતો ચાલી રહી હતી, અકસ્માતની સવારે જ તે પગપાળા જોગણી માતાજીના મંદિરે દર્શને ગયા હતા અને તે જ રાતે આવા વ્યક્તિને લીધે તેમને કાળ ભરખી ગયો.