શહેરમાં નાઈટ કોમ્બિંગ, અનેક વાહનોને મેમો આપ્યા!
ડ્રાઈવ દરમિયાન ચાકુ, છુરી, ગુપ્તી વગેરે સાથે લોકો પકડાયા હતા.
અમદાવાદમાં પાછળના થોડા દિવસોમાં બનેલી ઘટનાઓને લીધે શહેરમાં ઠેર ઠેર ચુસ્તપણે નાઈટ કોમ્બિંગ.
શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ક્રાઇમરેટ વધી રહ્યો છે. જેમાં હત્યા, અકસ્માત, ચોરી, હુમલા, સામાજિક અથડામણ જેવા અનેક બનાવો બન્યા હતા.
રાજ્યાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે બેઠક બોલાવી શહેરની પોલીસ ટીમને ઠપકો કર્યો તથા શહેરમાં કાયદાની કથળી ગયેલી સ્થિતિને સુધારવાની વ્યવસ્થા ગોઠવવા કહ્યું હતું.
શહેરમાં છેલ્લા 5 દિવસથી રોજ રાત્રે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ચેકિંગ દરમિયાન ઘણા લોકોને દંડ કરવામાં આવ્યો છે તથા કોઈ ચોક્કસ ગુન્હો બનતા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
રવિવાર રાત્રિથી મંગળવાર સવાર સુધીમાં અનેક વાહનોના ચેકીંગ હાથ ધરાયા હતા. મળતી માહિતી મુજબ 21,223 વાહનોનું ચેકિંગ કરાયું હતું જેમાં આશરે 3,000 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. વાહનો ડિટેઇન કરતા અને મેમો આપ્યા બાદ બીજા દિવસથી RTO માં લાઈનો લાગી છે, વાહન છોડાવવા અને દંડ ભરવા માટે લોકો સવારથી RTO કચેરીએ પહોંચ્યા હતા પરંતુ ત્યાં ધીમી કામગીરીને લીધે લોકો અટવાયા છે.
આ કાર્યવાહીમાં શહેર પોલીસ, ટ્રાફિક વિભાગ, SOG, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ચેકીંગ માટે રસ્તાઓ પર ઉતરી હતી, આ સિવાય દારૂના કેસ, જુગાર રમતા, જૂના આરોપીઓની તપાસ પણ હાથ ધરાઇ હતી.
આખી રાત કોમ્બિંગ દરમિયાન 470 જેટલા શરાબ પીધેલા લોકો પકડાયા હતા. જેમને ચેકિંગ માટે સિવિલ હોસ્પિટલ લાવવા 30થી 40 પોલીસના ડબ્બા મૂકવામાં આવ્યા હતા.
શહેરમાં 7 ઝોનમાં આ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં 1685 જેટલા વાહનોને મેમો આપી ₹12.82 લાખનો દંડ વસૂલાયો હતો.
આ નાઈટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ દરમિયાન કુલ 22 હજાર વાહનો ચેક કરાયા, 1700 જેટલા મેમો અપાયા, ₹12.82 લાખનો દંડ વસૂલાયો, 200 જેટલા લોકો શસ્ત્રો સાથે પકડાયા હતા.
આ સાથે માહિતી અનુસાર આ ચેકિંગથી સાધારણ જનતા પરેશાન થઈ રહી હોવાની ફરિયાદ પણ મળી છે.