ખાખીના સપના સાથે ઉમેદવારોની દોડ શરૂ
Updated on 08-01-2025 17:20
આજથી શારીરિક કસોટીની શરૂઆત!
.gif)
ગુજરાતના પોલીસ દળમાં સામેલ થવાના સપના સાથે ગુજરાતના 10.73 લાખ ઉમેદવાર મેદાનમાં
રાજ્યના પોલીસ દળમાં ભરતી માટે અગાઉ 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી 12,472 નવી ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઉમેદવારી ફોર્મ ભરાવાયા હતા. અને હવે તે તમામ ઉમેદવારોની રાહ જોવાનો અંત આવ્યો છે.
.png)
આજ રોજ તારીખ 8 જાન્યુઆરીથી ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની શારીરિક કસોટી લેવાનું શરૂ કરાયું છે.
16 લાખ જેટલા ઉમેદવારોએ ભરતીમાં અરજી કરી હતી. જ્યાં હવે 10.73 લાખ જેટલા ઉમેદવારો શારીરિક કસોટી( દૌડ તથા અન્ય શારીરિક તપાસ) માટે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફાળવાયેલા 15 જેટલા મેદાનોમાં ઉતરશે.
વહેલી પરોઢે આ કસોટી શરૂ થઈ જાય છે. પુરુષ માટે 25 મિનિટની અંદર 5 કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. તથા મહિલાઓ માટે 9 મિનિટ 30 સેકન્ડમાં 1600 મીટરનું અંતર પૂરું કરવાનું હોય છે. ઉપરાંત ભૂતપૂર્વ સૈનિકોએ 12 મિનિટ 30 સેકન્ડમાં 2400 મીટરનું અંતર કાપવાનું રહેશે.
આ શારીરીક કસોટી રાજ્યના PSI, લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહીની ભરતી બાબતે લેવામાં આવે છે.

આ તમામ ભરતીનો કારભાર નવનિયુક્ત પોલીસ ભરતી બોર્ડના વડા IPS ડો. નીરજા ગોટરુ સંભાળશે.
આજથી શરૂ થતી શારીરિક કસોટીમાં ઉમેદવારોની સુવિધાના ભાગ રૂપે અહિં ડૉક્ટર, 108 ઇમરજન્સી સર્વિસ જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ રખાશે.
નોંધનીય બાબત
➨ આ શારીરિક કસોટીમાં ઉમેદવારે ફક્ત પાસ થવાનું રહેશે.
➨ કોઈ માર્કસ લેખિત કસોટીમાં ગણાશે નહીં.
➨ વધારાના માર્કસ માટે NCC અને અન્ય યોગ્ય સ્પોર્ટ્સના સર્ટિફિકેટના માર્કસ ઉમેરવામાં આવશે.
અન્ય જરૂરી બાબતો
➨ PSIની પરીક્ષા આપવા વાળા લોકોએ શારીરિક કસોટી પાસ કર્યા બાદ મુખ્ય લેખિત પરીક્ષા આપવાની રહેશે.
➨ લોકરક્ષક પરીક્ષા આપવા વાળા લોકોએ શારીરિક કસોટી આપ્યા બાદ MCQની પરીક્ષા આપવાની રહેશે.
➨ ત્યાર બાદ મેરીટના આધારે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.
8 જાન્યુઆરીથી અંદાજીત બે મહિના સુધી શારીરિક કસોટી ચાલશે.
ઉમેદવારોએ અચૂકથી ધ્યાનમાં રાખવાની બાબતો!
➤ ઉમેદવારે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત થવા માટે કોલ લેટર અચુક સાથે લાવવાનો રહેશે.
➤ ઉમેદવારે પોતાની ઓળખ માટેનો પુરાવો અસલ જેવા કે, આધારકાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સ/પાનકાર્ડ/ચુટણીકાર્ડ વગેરેમાથી કોઈ પણ એક પુરાવો પોતાની સાથે રાખવાનો રહેશે, શારીરિક કસોટી દરમ્યાન જરૂર જણાયે રજુ કરવાના રહેશે.
➤ ઉમેદવારે દોડ માટે RFID TEG લગાવ્યા પછી દોડ પુર્ણ કર્યા સુધી બાથરૂમ કે ટોયલેટ માટે જઈ શકશે નહિ, જેની નોંધ લેવી.
➤ ઉમેદવારને મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણ લઈને ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં, ફક્ત સાદી કાંડા ઘડિયાળ પહેરી શકાશે.(સ્માર્ટવોચ/ડિજિટલ વોચ પહેરી શકશે નહિ.)
➤ ઉમેદવારોએ રાઉન્ડની ગણતરી માટે કાંકરી ગ્રાઉન્ડ પર લઈ જવી નહિ, દોડની ગણતરી માટે અત્રેથી રબર બેન્ડ ફાળવવામાં આવશે. આ રબર બેન્ડ ગ્રાઉન્ડ પર રાખેલ તાડપત્રીમાં જ ફેકવાની રહેશે.
➤ ઉમેદવારોએ રનીંગ વખતે પ્રવેશપત્ર (કોલલેટર) પોતાની પાસે રાખવાનું છે.
➤ ઉમેદવારો એ પોલીસ ભરતી ગ્રાઉન્ડનું માપ ધ્યાનમાં રાખી દોડવાનું રહેશે. (કેટલા રાઉન્ડમાં રનિંગ પૂર્ણ કરવાનું છે. જે તે ગ્રાઉન્ડના માપ મુજબ ઉમેદવારોને જણાવવામાં આવશે)
➤ જો કોઈ ઉમેદવાર કોઈપણ પ્રકારનું ડ્રગ્સ કેફી દ્રવ્ય તથા નશાયુક્ત ગોળિનુ સેવન કરીને આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.