સાયબર ફ્રોડ! લોકોની મેહનતની કમાણી ઘડીકમાં ગાયબ
Updated on 23-11-2024 16:30
નવરંગપૂરા વિસ્તારમાંથી 87 વર્ષના વૃદ્ધ સાથે થયો ₹23.80 લાખનો સાયબર ફ્રોડ.
શહેરમાં ડિજિટલ ફ્રોડના કેસમાં દિવસેને દિવસે થતી બઢોતરી
સાયબર ફ્રોડના લીધે લોકો વારંવાર બની રહ્યા છે, ડિજિટલ ગઠીયાઓનો શિકાર.
અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહેતા 87 વર્ષના વૃદ્ધ સાથે થઈ સાયબર ચોરી, ગત 11 તારીખના રોજ વૃદ્ધને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો કે અમે TRAI (ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા) માંથી વાત કરી રહ્યા છીએ, તમારો કોલ સીબીઆઇને ટ્રાન્સફર કરવામાં આવશે અને તમારો ફોન 2 કલાકમાં બંધ કરવામાં આવશે. બસ આટલું કહીને કોલ કાપી દેવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ થોડાક જ સમયમાં બીજા અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો કે હું મુંબઈ સીબીઆઇ બ્રાન્ચમાંથી અનિલ દેશપાંડે વાત કરું છું. અને તમારું નામ મનીલોન્ડરિંગ કેસમાં ઇનવોલ્વ છે, તમે નરેશ ગોયલ નામના વ્યક્તિને ₹230 કરોડ આપ્યા છે તથા 45 મિનિટ તમે એમની સાથે વાત કરી છે. જેથી તમારા ઉપર કેસ બને છે.
થોડાક જ સમયમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ખન્ના તમારી સાથે વાત કરશે; તથા જે ઓર્ડર આપવામાં આવશે તે માનવો પડશે. અને જે ઓર્ડર કરશે તે અમે તમને મોકલી આપીશું તેમ કહી ફોન કાપી દીધો હતો.
12 તારીખે વૃદ્ધને સવારના સમયે વોટ્સએપના માધ્યમથી ગ્રુપમાં વિડીયો કોલ આવ્યો હતો. ત્યાં વિડીઓ કોલમાં હું સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ ખન્ના વાત કરું છું. તમે મનીલોન્ડરિંગ કેસમાં ઇનવોલ્વ છો. તેવા રેકોર્ડ્સ છે અમારી પાસે, એટલે તમારી ધરપકડના વોરંટ ઇસ્યુ કરું છું. આમ કહી 2 કલાકમાં જ અરેસ્ટ વોરંટનો ઓર્ડર પણ વૃદ્ધને મોકલી આપ્યો હતો.
આ ઘટના બાદ વૃદ્ધ પાસેથી તેમની બેન્કની માહિતી માંગવાનું શરૂ કર્યું હતું. અને પૈસાની તપાસ બાદ પૈસા ફરી તમારા એકાઉન્ટમાં આવી જશે તેવું કહ્યું હતું.
13 તારીખે સવારે ફરી વોટ્સએપના માધ્યમથી કોલ આવ્યો હતો, જ્યાં તે વૃદ્ધની FD અને પત્નીના નામે કરાવેલ લોનની માહિતી લઈ ₹23.80 લાખ ઉપાડી લીધા
આ ઘટના બાદ વૃદ્ધને પોતાની સાથે ડિજિટલ અરેસ્ટનો ફ્રોડ થયો હોવાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ નોંધાવી, પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
ઘણા સમયથી દેશમાં આવા સાયબર ફ્રોડના કેસ વધ્યા છે અને ઘણા લોકોને નિશાના બનાવ્યા છે. મળતી માહિતી મુજબ આવા લોકો વૃદ્ધોને વધુ પ્રમાણમાં ટાંચમાં લઈ રહ્યા છે.
આવા સમયમાં સતર્ક રહેવું અને જો આવું કઈક જણાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો હિતાવહ છે.