અમદાવાદમાં બનશે દેશ તથા રાજ્યનું સૌથી મોટું લોટસ પાર્ક.
વિવિધતામાં એકતાના હેતુથી બનશે આ પાર્ક.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ગોતા વિસ્તારમાં બનનાર લોટસ પાર્કને આપી મંજૂરી
શહેરમાં એસ.જી હાઇવે વિસ્તારમાં ગોતા દેવ સિટી નજીક TP -29માં 25,000 ચોરસ મીટરના પ્લોટમાં દેશનું અને રાજ્યનું સૌથી મોટું એવું લોટસ પાર્ક ગાર્ડન બનાવવામાં આવશે.
આ લોટસ ગાર્ડન બનાવવા પાછળનો અંદાજિત ખર્ચ ₹80 કરોડ જેટલો છે. જેને માટે હાલ ₹20 કરોડ ફાળવી દેવામાં આવ્યા છે.
અમદાવાદના ગોતામાં બનનાર આ લોટસ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા જેને સંસ્કૃતમાં કૌસુમ કહેવાય; જે એક એવું માળખું હશે જ્યાં ભારતના તમામ રાજ્યોના રાજ્ય ફૂલને પ્રદર્શિત કરાશે.
આ માળખાની ડીઝાઇન કમળના ફૂલથી પ્રેરિત હશે. જ્યાં દરેક પાંખડી કોઇ ચોક્કસ રાજ્યના રાજ્ય ફૂલનું પ્રતિનિધિત્વ કરશે.
ભારતના તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી પાંખડીઓને ટેબ્લેટ તકનીકી રીતે નિયંત્રિત કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનો હેતુ ભારતના રાજ્યોની યુનિટી અને વિવિધતામાં એકતાના વિચારને મજબૂત કરવાનું છે.
આ પાર્કમાં પ્રવેશ પ્લાઝા, લેન્ડસ્કેપ પ્લાઝા, સાર્વજનિક પ્લાઝા, ફુવારા સાથે પાણીનું તળાવ, સેન્ટ્રલ મલ્ટિફંક્શનલ વિસ્તાર, મલ્ટી લેવલ લેન્ડસ્કેપ ડેક વિસ્તાર, એડમિન અને સિક્યુરિટી વિસ્તારો, માહિતી કિઓસ્ક, ફ્લાવર શોપ, ફૂલ સહિત અનેક સુવિધાઓથી સજ્જ હશે. દુકાનો, આયુર્વેદ/વેલનેસ પ્રોડક્ટની દુકાનો, ટોયલેટ બ્લોક અને પેરિફેરલ લેન્ડસ્કેપ વોકવે પણ અહી બનશે.
અમદાવાદની આબોહવામાં તમામ રાજ્યના ફૂલો ઉગાડવા અને ઉછેરવા માટે ભેજ, તાપમાન અને અન્ય જરૂરી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
અહીંના ફ્લોરલ મ્યુઝિયમમાં વિશ્વના વિવિધ ભાગોમાંથી ફૂલોનું પ્રદર્શન કરવામાં આવશે.એકવાર પાર્ક તૈયાર થઈ જાય પછી મુલાકાતીઓ ફૂલોની દુકાનમાંથી ફૂલ ઉત્પાદનોની ખરીદી કરી શકશે.
આ પ્રોજેક્ટ નેટ-ઝીરો એનર્જી કોન્સેપ્ટના આધારે વિકસાવવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ, સ્ટ્રક્ચરલ, MEP, ટેકનોલોજી, લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધાઓ, પાર્કિંગ અને અન્ય સંબંધિત સુવિધાઓનો સમાવેશ થશે.
ટૂંક સમયમાં આ પાર્ક બનવાનું કામ શરૂ થશે, અને 1.5 વર્ષમાં બનીને તૈયાર થઈ જશે.