અમદાવાદના ચંદ્રભાગા નાળાનું રી-મોલ્ડિંગ થશે
પ્રોજેક્ટ પાછળ AMC ₹146.32 કરોડનો ખર્ચ કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંદ્રભાગા નાળાને રી-મોલ્ડિંગ કરવાની દરખાસ્ત આખરે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માંથી મંજૂર
હયાત ચંદ્રભાગા નાળાને રિ-મોલ્ડિંગ કરવા AMC દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી, જ્યાં આરસીસી બોકસ ડ્રેઇન અને રીટેઇનિંગ વોલ ઊભી કરવાની મંજૂરી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માંથી મળી ગઈ છે.
આ પ્રોજેક્ટ પાછળ AMC ₹146.32 કરોડનો ખર્ચ કરશે.
આ પ્રોજેક્ટ કાળીગામ-રાણીપ માંથી પસાર થતાં ચંદ્રભાગા નાળાને રિ-મોલ્ડિંગ કરવા તથા આરસીસી બોક્સ થતાં ડ્રેનેજ લાઇન નાખવા માટે છે.
આ પાછળનો હેતુ રાણીપ, બકરામંડી, સાબરમતી રેલ્વે કોલોની, કાળીગામ ગરનાળા, પ્રબોધ રાવલ બ્રિજ સહિતના વિસ્તારો જ્યાં અવાર નવાર ગટર ઉભરાવાની સમસ્યા સર્જાતી હતી તે દૂર કરવાનો છે. જે આ કામ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ બંધ થઈ જશે.
ચોમાસામાં નાળાના ઓવરફલો થવાની, મચ્છરોના ઉપદ્રવ , રોગચાળાની ફરિયાદો મળતી રહેતી હતી. સાથે સાથે ચાંદખેડા, રાણીપ, સ્ટેડિયમ વોર્ડમાં વરસાદી પાણી અને ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થવાથી સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ આ પ્રોજેક્ટ પૂરા થયા બાદ તેઓને રાહત મળશે.
જ્યાં ચંદ્રભાગા નાળાના બંને તરફ આરસીસી બોક્સ, રિટેઇનિંગ વોલ અને બંને તરફ 1200mm ડાયામિટર વાળી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે; જેની પાછળ AMC ₹146 કરોડ 32 લાખથી વધુનો ખર્ચ કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણી કમિટીના ચેરમેન દિલીપ બગરિયાના જણાવ્યા અનુસાર પશ્ચિમ ઝોનમાં જૂના વાડજથી RTO તરફ વહેતું નાળુ જે વર્ષોથી આ રીતેજ વહેતું હોવાથી નાળાની જગ્યા બની ગઈ અને ચંદ્રભાગા નાળા તરીકે ઓળખાવા લાગ્યું; જે ગંદાપાણીના વહેણની જગ્યા પર હવે પાકી વ્યવસ્થા કરાશે.
નાળાના રી-મોલ્ડિંગની કામગીરી મંગલમ બિલ્ડકોન પ્રા.લી.અને પી.દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઇન્ટ વેન્ચરને આપવામાં આવશે.