મધ્યમ વર્ગ માટે AMC બનાવશે 3BHK ફ્લેટ!
હંસપુરા, વટવા અને ગોતામાં બનશે આ આવાસ યોજના.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્યમ વર્ગના પરિવારો માટે અમદાવાદના ત્રણ અલગ અલગ જગ્યા પર 3 BHK વાળા કુલ 930 ફ્લેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
જ્યાં આ પ્રોજેક્ટના ભાગ રૂપે નરોડાના હંસપુરા TP-121 માં બેઝમેંટ સાથે 10 માળના કુલ 160 ફ્લેટ, વટવામાં TP-58 માં બેઝમેંટ સાથે 13 માળના કુલ 350 મકાન અને ગોતામાં TP-36 માં (છારોડી-ત્રાગડ)માં 420 આવાસ તૈયાર કરવામાં કરાશે.
નવા બનનાર આ મકાનોમાં મધ્યમ વર્ગ અને બાળકોના અભ્યાસને ધ્યાનમાં લઈને એક અલગથી સ્ટડી રૂમ બનાવવામાં આવ્યો છે.તૈયાર થનાર આ નવા ફ્લેટમાં 61 ચોરસ મીટર કાર્પેટ એરિયામાં બાંધકામ હશે જેમાં ડ્રોઈંગ રૂમ, રસોડું, બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, વોશ એરિયા જેવી સુવિધાઓની યોજના છે.
આ આવાસ બની ગયા બાદ અન્ય આવાસ યોજનાઓ જેમ જ ડ્રો સિસ્ટમ દ્વારા જનતાને આપવામાં આવશે જેની કિંમત 28 લાખથી લઈને 32 લાખ સુધીની હશે.
હાલ નરોડા અને વટવામાં આ આવાસના બાંધકામ માટેના ટેન્ડરની પ્રક્રિયામાં ચાલુ છે, જ્યારે ગોતા માટેનું ટેન્ડર ટુંક સમયમાં મંગાવવામાં આવશે.