પાકિસ્તાની જાસૂસને ₹200 માટે માહિતી આપતો યુવક પકડાયો
ગુજરાત ATSની ટીમે બાતમીના આધારે કરી ધરપકડ.
ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની મહિલા જાસૂસને ઇંડિયન કોસ્ટ ગાર્ડની નિજી માહિતી અને તેમની એક્ટિવિટીની માહિતી મોકલવાના ગુન્હામાં ગુજરાતના યુવકની ધરપકડ કરી છે.
ત્રણ વર્ષથી ઓખા જેટી પર કોસ્ટગાર્ડની બોટનું રિપેરિંગ કામ કરતો યુવક નામે દિપેશ ગોહેલ, રહેવાસી દ્વારકા જિલ્લાના આંરભડા અને ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ આ યુવકને સાત મહિના પહેલા ફેસબૂકના માધ્યમથી શાહીમા કરીને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે બાદ શાહીમા અને દિપેશ મિત્ર બન્યા હતા.
આ શાહીમા નામની મહિલા પાકિસ્તાન ISIની મહિલા જાસૂસ હતી, જેણે દિપેશને રોજના ₹200 લેખે આપવાના બદલામાં ઓખાની આસપાસ કોસ્ટગાર્ડની માહિતી શેર કરવાની લાલચ આપી હતી. જ્યાં માત્ર ₹200 જેવી કિંમતમાં આ યુવકે માહિતી આપવાનું શરૂ કરી દીધું હતું.
ઇંડિયન કોસ્ટ ગાર્ડની બોટોનું ઓખા જેટી પર રિપેરિંગ કરતો દિપેશ આ રીતે માહિતી પ્રદાન કરે છે, તેવી બાતમી ગુજરાત ATSને મળી હતી. જ્યાં પૂછપરછ દ્વારા જાણવા મળ્યું કે શાહીમા નામની યુવતી તેની મિત્ર બની હતી, જે પાકિસ્તાન નેવીમાં કામ કરે છે અને તેને રોજના ₹200ના હિસાબે ઓખા કોસ્ટગાર્ડની એક્ટિવિટીની માહિતી આપવા કહ્યું હતું. આ માહિતીની આપ-લે વોટસેપના માધ્યમથી થતી હતી, મોકલાતી માહિતી વાળા વોટસેપની એક્ટીવીટી પાકિસ્તાનથી થતી હોવાની માહિતી મળેલ છે.
સાત મહિનાની અંદર અપાયેલ તમામ માહિતીના બદલામાં મળવાનું પેમેન્ટ દિપેશના મિત્રોના બેન્ક એકાઉન્ટમાં જમાં થયેલ હતું. જે UPIના માધ્યમથી આ એકાઉન્ટ્સમાં જમા થયા હતા. જેમાં અત્યાર સુધી દિપેશને ₹42 હજાર રૂપિયા મળ્યા હતા.
આરોપીને વધુ પૂછપરછ માટે અમદાવાદ બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેણે કરેલ ગુન્હાની તેણે કબૂલાત કરી હતી. ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 અને 148 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરાઈ છે.