ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું!
2 વર્ષથી ચાંદખેડાના એક ફ્લેટમાં ચાલતું હતું.
.png)
બે વર્ષથી ચાલતા ક્રિકેટ પર રમાતા સટ્ટાનું રેકેટ ચાંદખેડામાંથી પકડાયું
શહેરના ચાંદખેડા વિસ્તારના ત્રાગડ અંડર બ્રિજ પાસે આવેલા દ્વારકેશ ઓપ્યુલન્સ ફ્લેટમાં ક્રિકેટ પર સટ્ટો રમાડવાનું રેકેટ ત્યાંથી ચાલે છે. તેવી માહિતી પીસીબીને મળી હતી.
મળતી બાતમી મુજબ પીસીબીએ ફ્લેટમાં દરોડા નાખતા ફ્લેટમાંથી 3 બુકીને ઝડપી લીધા હતા. સાથે સાથે ફ્લેટમાંથી તપાસ કરતાં 9 જેટલા મોબાઈલ, 1 લેપટોપ, સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
માસિક ₹16 હજારના ભાડાથી આ ત્રણેયે બે વર્ષથી અહિં ફ્લેટ ભાડે રાખ્યો હતો. જેથી તેઓ અહિં સટ્ટાનું રેકેટ ચલાવી શકે.
દરોડામાં પીસીબીની ટીમે કેયૂર ઉર્ફે જિગર પટેલ(ઉં.29 ન્યુ રાણીપ), કૃણાલ મોદી(ઉં 33 શાહપુર), આકાશ શાહ(ઉં.31 શાહપુર)ને ઝડપી પાડયા હતા. વધુ તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે આખું સટ્ટાનું નેટવર્ક શાહપુરમાંથી કિશોર મારવાડી નામનું કોઈ વ્યક્તિ ચલાવતું હતું. જેના કહેવાથી દ્વારકેશ ઓપ્યુલન્સમાં 2 વર્ષ પહેલા ફ્લેટ રાખ્યો હતો. અને આ રેકેટ ચાલતું હતું.
જાણકારીમાં હજી અન્ય 5 નામ ખૂલતાં પોલિસે તેમને પકડવાની કામગીરી હાથ ધરી છે. અન્ય જાણકારી મુજબ કેયૂર ઉર્ફે જિગર પટેલ આ પહેલા દારૂના ગુન્હામાં 3 વાર પકડાઈ ચૂક્યા છે. અને કેયૂર તથા કિશોર મારવાડી સેટેલાઈટના એક બુકી જશુ ઠાકોર પાસે ભાવ કપાવતા હતા.