BAPS સંસ્થાના કાર્યકરો માટે સોનેરી પ્રસંગ
કાર્યકરોના અભિવાદન માટે મોદી સ્ટેડિયમમાં "કાર્યકર સુવર્ણ મહોત્સવનું" આયોજન.
7 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થા દ્વારા કાર્યકરો માટે યોજાશે એકદમ ભવ્ય અભિવાદન કાર્યક્રમ!
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે બપોરે 3:30 થી 8:00 સુધી "કાર્યકર સુવર્ણ મહોત્સવ" યોજાવા જઈ રહ્યો છે. BAPS સંસ્થાના બ્રહ્મલીન શ્રી પ્રમુખ સ્વામીના જન્મજયંતીના દિવસે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
BAPS સંસ્થા વૈશ્વિક પટલ પર ખૂબ મોટું સ્તર ધરાવે છે. આ સંસ્થામાં દેશ વિદેશના લાખો કાર્યકરો હરિભક્તિની ભાવના સાથે આધ્યાત્મિક તેમજ સામાજિક કાર્યમાં નિસ્વાર્થ ભાવે પોતાની સેવાઓ આપતા હોય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયની આ સંસ્થામાં એક લાખથી વધુ રજીસ્ટર્ડ કાર્યકરો જોડાયેલા છે, વર્ષ 1972માં પ્રમુખસ્વામી મહારાજે કાર્યકરોનું વિધિવત માળખું સ્થાપિત કર્યું હતું. જેને આજે 50 વર્ષ થઈ ગયા ત્યાં સુધીમાં એક લાખ જેટલા રજીસ્ટર કાર્યકરો દેશ વિદેશથી જોડાયા છે.
BAPS સંસ્થાના સ્વામીના કહ્યા મુજબ પૂજ્ય શ્રી મહંત સ્વામીના માર્ગદર્શનથી દેશ-વિદેશના આવા એક લાખ કાર્યકરોને તેમની સેવા માટે બિરદાવવામાં આવશે.
BAPSના વિરાટ કાર્યકરવૃંદના ઐતિહાસિક અભિવાદન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી હાજર રહેશે, તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ તેમજ અન્ય મંત્રીગણ મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે.
આ કાર્યક્રમમાં મંત્રમુગ્ધ કરી દે એવા પર્ફોમન્સ, વિડિયો તેમજ પ્રેરણાદાયક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. 2000થી વધુ કલાકારો દ્વારા વિવિધ પર્ફોમન્સ કરવામાં આવશે તેમજ વિશાળ લાઈટ પ્રોજેક્શન સોફ્ટવેરથી મોટા સ્કેલ પર ચલચિત્રો બતાવવામાં આવશે.
રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત કરવામાં આવશે.
1) બીજ: છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે.
2) વટવૃક્ષ : એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે.
3) ફળ : આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.
દરેક કાર્યકરને એક એલઇડી વ્રીસ્ટ બેન્ડ આપવામાં આવશે.
વ્યવસ્થા અને ભાગરૂપે તેમના સ્થાનની ઓળખ માટે એક વ્રીસ્ટ બેન્ડ આપવામાં આવશે જેના દ્વારા ભારતીય તિરંગો બનાવાશે.
વાસ્તવિક જેવું જ આકાશ બનાવવામાં આવશે!
આ કાર્યક્રમમાં ફોગ મશીન તેમજ અન્ય બીજા ઉપકરણો દ્વારા આકાશ જેવો જ નજારો ઉભો કરવામાં આવશે. તેમજ અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન કરાશે.
30 દેશોમાંથી કાર્યકરો આવશે:
BAPS સંસ્થા સાથે સંકળાયેલા આફ્રિકા, યુકે, યુરોપ, અમેરિકા, કેનેડા તેમજ દુબઈ જેવા અનેક દેશોના કાર્યકરો પણ અમદાવાદમાં આ કાર્યક્રમમાં જોડાશે. જ્યાં અન્ય દેશોના સન્માન માટે 30 દેશોના ધ્વજ પણ દીપ પ્રાગટ્ય વખતે દર્શાવાશે.
સુરક્ષાની વ્યવસ્થા!
આ કાર્યક્રમમાં CISF, પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ 40 ડોક્ટરોની ટીમ ખડે પગે હશે.
પાર્કિંગની વ્યવસ્થા:
કાર્યક્રમ અંતર્ગત સ્ટેડિયમને અડીને આવેલ રિવરફ્રન્ટની જમીનમાં 1300 લક્ઝરી બસોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, એ સિવાય 2000 કાર પાર્કિંગની પણ વ્યવસ્થા છે. સંસ્થા મુજબ 20,000 લોકો આ દિવસે મેટ્રોમાં મુસાફરી કરી સ્ટેડિયમ સુધી પહોંચશે.
હાલ આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યાં આ ઈવેન્ટ આ પહેલા થયેલા શતાબ્દી મહોત્સવ જેમ ઐતિહાસિક બનશે.
આ ઉપરાંત કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા મહેમાનોના રહેવા માટે બિલ્ડર જગતના લોકોએ તેમની ચાલુ સ્કીમ્સ 10 હજાર જેટલા લોકોની રહેવાની વ્યવસ્થા કરવા માટે આપી દીધા છે.
આ ઉપરાંત ભક્તો ઘરે બેઠા આ કાર્યક્રમનો ભક્તિરસ માણી શકે તે માટે સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવા આવશે. જે 7 ડિસેમ્બરની સાંજે 5 થી 8:30 વાગ્યા સુધી live.baps.org તેમજ આસ્થા ટીવી ચેનલ પર માણી શકશે.