મલ્ટિલેવલ પાર્કિંગમાં દુકાનો ધૂળ ખાય છે!
મ્યુનિ.ને મોટું નુકશાન, આવા બીજા પ્રોજેક્ટ નહીં બને!
મ્યુનિ.ને માથે નુકશાન! મલ્ટિલેવલ પાર્કિંગની દુકાનો વેચાતી નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આઠ માળનું મલ્ટિલેવલ પાર્કિંગ વિથ કોમર્શિયલ બનાવ્યું છે. જેની જમીનની કિંમત ₹273.57 કરોડ અને તેની પર થયેલ બાંધકામ કિંમત ₹76.11 કરોડ એમ કરીને આખા ઢાંચાની કુલ કિંમત ₹349.69 કરોડ છે.
પરંતુ આ પ્રોજેક્ટ અસફળ દેખાઈ રહ્યો છે. જેથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા મ્યુનિ. તંત્રને ટકોર કરવામાં આવી હતી કે જો મલ્ટિલેવલ પાર્કિંગમાં કોમર્શિયલ દુકાનો વેચાતી ન હોય તો આવા પ્રોજેક્ટ બનાવશો જ નહીં!
પ્રહલાદનગરમાં બનાવેલ આ મલ્ટિલેવલ પાર્કિંગ સાથેની કોમર્શિયલ દુકાનો માટે ભાવનિર્ધારણ કમિટીએ જગ્યાનો ભાવ ₹ 4.03 લાખ પ્રતિ ચો.મી. નક્કી કર્યો હતો. પરંતુ જગ્યા ન વેચાતા તેનો ભાવ ઓછો કરીને ₹ 3.96 લાખ પ્રતિ ચો.મી. નક્કી કરાયો છે. તેમ છત્તા આ દુકાનો વેચાશે કે નહીં તેની પર પ્રશ્નાર્થ છે.
આ વિસ્તાર માટે 2025થી મહત્તમ જંત્રી ₹1.03 લાખ નક્કી થઈ છે. પરંતુ વેચવા માટે તેનાથી 4 ઘણી વધુ રકમ નક્કી કરાઈ હતી. જે કારણથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને મ્યુનિ.ને ટકોર કરી હતી કે આટલી મોટી રકમ ખર્ચ કર્યા બાદ પણ વેચાણ ન થતું હોય તો આવા પ્રોજેક્ટ બંધ કરવા જોઈએ.
આ બિલ્ડિંગમાં 78 જેટલી ઓફિસ, 20 દુકાનો અને મલ્ટિલેવલ પાર્કિંગ છે. જેને વેચવાના બે વાર પ્રયત્નો કરાયા હતા. પરંતુ અસફળતા બાદ ભાવ ઘટાડવાનો નિર્ણય કરાયો છે.
આ સિવાય મ્યુનિ. દ્વારા બનેલ સિંધુભવન મલ્ટિ લેવલ પાર્કિંગ તથા નવરંગપૂરા મલ્ટિલેવલ પાર્કિંગમાં બનેલા કોમર્શીયલ એકમોના પણ આવા જ હાલ છે.