સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ વેગમાં
Updated on 13-11-2024 15:26
નહેરુ બ્રિજ-એલિસ બ્રિજ વચ્ચેના વેસ્ટ સાઈડ રિવરફ્રન્ટ રોડને અંડરગ્રાઉન્ડ બનાવાશે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ એકદમ વેગમાં છે તેવું જોવા મળી રહ્યું છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેંટના રોજ નવા નવા પ્લાન અને પછી તેનો અમલ થતો રહે છે. જેથી સાબરમતી નદીનો પટ વિકાસ પામ્યો છે. જે પાછળનો હેતુ અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેંટ અને જનતાનું મનોરંજન રહ્યું છે.
ફરી પાછા એક નવા પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવશે જેમાં નહેરુ બ્રિજથી એલિસ બ્રિજ વચ્ચેના રિવરફ્રન્ટ રોડને અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવશે. આ 500 મીટરના રોડની ડિઝાઇનનું કામ ખાનગી કંપનીને સોંપવામાં આવશે.
આ અંડરપાસ રોડ બની ગયા બાદ લોકોના મનોરંજન માટે તેની ઉપરનો એરિયા વિકસાવવામાં આવશે, જેમાં આ વિસ્તારને પેડેસ્ટ્રીયલ સ્ટ્રીટ તરીકે બનાવવામાં આવશે તેની સાથે જ ત્યાં સેન્ટ્રલ વોક વે સહિત ફૂડ કોર્ટ, આઉટડોર ડાઇનિંગ એરીયા, લેન્ડસ્કેપ, કલાકૃતિઓ, બેસવા માટેની વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
આગામી છ મહિનામાં આ કામ શરૂ કરવામાં આવી શકે છે. કયા સુધી બનીને તૈયાર થઈ જશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી.
આ કામ પાછળ આશરે ₹77 કરોડના ખર્ચનો અંદાજ છે.
રોડની કામગીરી શરૂ કરવા; તેને મુસાફરી માટે સંપૂર્ણ બંધ કરવામાં આવશે જેથી એનઆઈડી તરફથી આવતા લોકોએ ફ્લાવર ગાર્ડન પાસેના સર્કલથી ટાઉનહોલ ચાર રસ્તા થઈ આશ્રમ રોડ પર જવાનું રહેશે અને વાડજથી આવનારે વલ્લભ સદનથી આશ્રમ રોડ તરફ વળાંક લેવાનો રહેશે.
આ પ્રોજેક્ટનો હેતુ જનતાના મનોરંજન માટેનો જ છે. જ્યાં બહારથી આવતા પ્રવાસીઓ આ તરફ આકર્ષાય.અહીં લોકોને વિવિધ પ્રકારના મનોરંજનની ફેસેલિટી મળશે.
હાલ રિવરફ્રન્ટ પર યોગ કેન્દ્ર, રિવરફ્રન્ટ ફેઝ-2/ફેઝ-3ના કામ ચર્ચામાં છે. સાથે હવે આ અંડરપાસ પણ બનશે જેનાથી રિવરફ્રન્ટ વધુ આકર્ષક બનશે.
સાથે સાથે ટાગોર હૉલ અને સંસ્કારકેન્દ્ર વચ્ચે ₹500 કરોડના ખર્ચે કન્વેન્શન, બિઝનેસ તથા કલ્ચરલ સેન્ટર પણ બનશે. જેનું ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.